પલળતો પત્ર

                આજે બ્હાર સળગતો વરસાદ હતો, એમાં હું ભીંજાવા નિકળી પડી. મજાની વાત તો એ હતી કે હું એકલી જ હતી. ત્યારે મેં અનુભવેલી તારી ખોટ સાલી. ઝાડ પાન પણ મારી જેમ જ એકલાં ઉભા ઉભા ભીંજાઈ રહ્યાં હતા અને કોઈકના આવવાના માર્ગ પર ઉંચા થઈ થઈને એમની આંખો બિછાવી રહ્યા હતા. ત્યારે વિચાર આવ્યો કે હુ તો તને યાદ કરી રહી છું, તેઓ કોને યાદ કરતાં હશે? સાથી વગર કેવી રીતે જીવતાં હશે? પણ પછી વિચાર આવ્યો કે એમની સાથે તો પવનની મધુર લહેરખીઓ, પંખીનાં મીઠાં ટહુકાં અને આકાશના સપ્તરંગો છે. એ ઝાડ-પાન એટલાં માટે જ ઉંચા થઈ રહયાં હતાં કે એ એમની મંઝીલે પ્હોંચી શકે.

                પેલી જગજીત સિંઘની ગાયેલી ગઝલની જેમ આજકાલ, તારાં ગયાં પછી શું ગુમાવ્યુ કે શું પામ્યુ એ વિચાર કરું છું, તો સાથે સાથે જીંદગીની તમન્ના વિશે પણ વિચાર કરુ છું. કોઈ પળે એવુ લાગે છે કે કાચનાં ટુકડાંઓની જેમ હું પણ વિખેરાઈ-તૂટી ગઈ છું. બીજી પળે લાગ છે કે એકલાં આવિયે છીએ - જઈએ છીએ તો આ માયાનો સાર શું છે? વ્યાવહારિક વ્યક્તિ કહેશે કે હું તો સાધુઓની જેમ વિચારવા લાગી. જીંદગીને વિચારવી જોઈએ કે નહીં એ પણ પ્રશ્ન ઉઠે છે મારાં મનમાં કે પછી મહત્તમ લોકો જેવી હું પણ થઈ જાવ? સવાલ તો પાયાનો છેઃ વિચારીને જીવું કે જીવીને વિચારું?

          અરે પણ વરસાદની વાત કરતાં કરતાં બિજે જ કશેક ફ્ંટાઈ ગઈ, માફી માંગી લઊં? તને યાદ આવે છે? નાના હતા ત્યારે કાકાસાહેબ કાલેલકરનો એક પાઠ ભણવામાં આવતો કે વરસાદ એક એવી અવળચંડી વસ્તુ છે કે છત્રી લઈને જાવ તો એ નહીં આવે અને છત્રી લીધાં વગર જાવ તો એ ચોક્કસ આવશે. સારાંશ એટલો જ કે ન માંગતું દોડતું આવે. એવી જ રીતે ભીંજાવા નીકળી ને વરસાદ ગાયબ થઈ ગયો. મને નથી ખબર કે સુખ શબ્દ સત્ય છે કે ભ્રમણા? લાગે છે કે માનવીને કોઈ અવસ્થામાં સુખ ન મળવાનો શ્રાપ છે. મેં મને જ એક પ્રશ્ન પુછ્યો કે જો તું આવે એ સુખ હોય તો તું ન આવે એ શું? એ સાથે જ વિચાર આવ્યો કે તો પછી હું કોની પાછળ ભાગુ છું, વરસાદ જેવાં સુખ પાછળ કે સુખ જેવાં વરસાદ પાછળ, ક્યારેક છત્રી સાથે તો ક્યારેક છત્રી વગર.

                    મારા વિચારો મને જ એટલાં બધાં અસંબંધ્ધ લાગે છે તો વિચારું છું કે તને વાંચતા કેટલો ત્રાસ થતો હશે? પણ મારા વિચારો જેટલી હું અવ્યવસ્થિત નથી. આટલાં બધાં અવ્યવસ્થિત વિચારોનુ કારણ વ્યવસ્થિત વિચાર કરવાની મારી અયોગ્યતા કે પછી વિચાર કરવાની જરુર નહીં તે? મને વિચારીને જણાવજે. મારાં વિચારોની અવ્યવસ્થિતતા ગોઠવીને એક માળા રુપે મને મોકલી આપજે. તારાં એ ઉપહારને મારાં ગળામાં પહેરી લઈશ. તને ગમશે ને?

                                                                                                                                                                                લી.

                                                                                                                                                એજ તારી સખીની સ્નેહલ યાદ